Thursday, January 23, 2014

ધરણાના ડ્રામા માટે કેજરીવાલને થઈ શકે છે અઢી વર્ષની સજા!

- 0 comments


આઈપીસીની કલમ 186 અને 133ના ભંગની નોંધાઈ ફરિયાદ
31 લોકોને પહોંચી હતી ઈજા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના 32 કલાકના હાઈવોલ્ટેજ-ડ્રામાનો મંગળવારે સાંજે નાટકીય રીતે અંત આવ્યો હતો. અંતે બુધવારે સવારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય દંડસંહિતાની કલમ 186 અને 133 હેઠળ ફરિયાદ નોંધાવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કાયદાપ્રધાન સોમનાથ ભારતીએ તાજેતરમાં કેટલાક કાયદાઓનો ભંગ કર્યો હતો. જે હેઠળ કેજરીવાલને કમ સે કમ અઢી વર્ષ સુધીની સજા થઈ શકે છે.

રેલભવની બહાર પોલીસ સાથે થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં લગભગ 31 લોકોને ઈજા પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેસ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યો હતો. ઉપ-રાજ્યપાલની દરમિયાનગીરી બાદ દિલ્હીના મુખ્યપ્રધાને ધરણા સમાપ્ત કર્યા હતા. બાદમાં પોલીસે આ ફરિયાદ દાખલ કરી છે.

મહિલા સંગઠનોનો દિલ્હીના મુખ્યપ્રધાનને ખુલ્લો પત્ર

કેટલાક મહિલા સંગઠનોએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં માંગ કરી છે કે તેમના કાયદાપ્રધાન સોમનાથ ભારતી સામે કાર્યવાહી કરવામાં આવે. ભારતીએ જનતા રેડ દરમિયાન મહિલા સાથે કથિત ગેરવર્તાવ કર્યો હતો અને તેમણે ભાષા પરથી સંયમ ગુમાવ્યો હતો.

31 લોકોને પહોંચી ઈજા

મંગળવારે રેલભવન અને રફી માર્ગ ખાતે આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. કાર્યકરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઈજાગ્રસ્તોમાં 19 પોલીસ કર્મચીઓ, એક પત્રકાર, તથા 15 સામાન્ય જનતાનો સમાવેશ થાય છે. એકપણની સ્થિતિ ગંભીર નથી. રેલભવન ખાતે થયેલી અથડામણમાં કાર્યકરોએ બેરિકેડિંગ છતાં ધરણાસ્થળ સુધી જવાની જીદ કરી હતી. આઈ કાર્ડ દેખાડવા છતાં પોલીસે પત્રકારને ફટકાર્યો હતો. 
[Continue reading...]

જલ્દી કરોઃ 2005 પહેલાંના 'પૈસા' નહીં ચાલે? RBIનો નવો નિર્ણય

- 0 comments


- ૨૦૦૫ પહેલાંની ચલણી નોટ પરત ખેંચાશે
- નવ વર્ષથી વધારે જુની નોટ આરબીઆઇ પરત લેશે
- તમામ બેન્કોએ જુની નોટની જગ્યાએ નવી નોટ આપવી પડશે
- જલ્દી કરોઃ 2005 પહેલાંના 'પૈસા' નહીં ચાલે? RBIનો નવો નિર્ણય, બેન્કો આપશે નવી નોટો!

૩૧ માર્ચ બાદ વર્ષ ૨૦૦પ પહેલાં છપાયેલી નોટ દેશની તમામ બેન્કો પરત લેવાનું શરૂ કરશે. રિઝર્વ બેન્કે બુધવારે આ મામલે આદેશ બહાર પાડયા છે. રિઝર્વ બેન્કે આ પગલા માટે કોઇ કારણ દર્શાવ્યુ નથી પરંતુ કાળાં નાણાં અને નકલી નોટને રોકવા માટે આ ક્વાયત હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આરબીઆઇના આદેશ ઉપર ૧લી જાન્યુઆરીથી અમલીકરણ શરૂ કરી દેવાશે.

૩૧મી માર્ચ પછી કોઇ પણ વ્યક્તિ પોતાની જૂની નોટને કોઇ પણ બેંકમાં જઇને બદલી શકશે. રિઝર્વ બેન્કે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, આરબીઆઇ ૩૧ માર્ચ પછી ૨૦૦પ પહેલાંની તમામ નોટ પરત લેશે પરંતુ સાથે સાથે આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે ૨૦૦પ પહેલાં બહાર પડાયેલી નોટની કાયદેસરતા ચાલુ રહેશે. એટલે કે ૩૧મી માર્ચ પછી પણ તમે તમારી પાસે નવ વર્ષ પહેલાંની અથવા તેનાથી જૂની નોટ હોય તો તે બજાર, બેન્ક અથવા અન્ય સ્થળે માન્ય ગણાશે. એ કામ બેન્કોનું હશે કે તેમની પાસે પહોંચેલી જૂની નોટ ફરીથી બજારમાં ફરતી ન થાય. ૧લી જુલાઇ પછી આઇડીની જરૂર પડશે.

આરબીઆઇના જણાવ્યા અનુસાર ૩૦મી જૂન સુધી કોઇ પણ વ્યક્તિ ગમે તેટલી સંખ્યામાં ૨૦૦પ પહેલાંની નોટ બેન્કમાં લઇ જઈને બદલી શકે છે. જોકે પહેલી જુલાઇ પછી નિયમ કડક થઈ જશે. પહેલી જુલાઇ પછી જો કોઇ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ન હોય તે બેન્કમાં ૧૦થી વધારે પ૦૦ની કે ૧૦૦૦ની નોટ બદલવા જશે તો તેને પોતાનું આઇડી કાર્ડ અને રેસિડન્સ પ્રૂફ બતાવવું પડશે.

[Continue reading...]

સન્ની દેઓલ ઝંપલાવશે રાજકારણમાં, નહીં લડે ભાજપની ટિકિટ પર ચૂંટણી

- 0 comments


- હી-મેન પુત્તર લુધિયાણાથી.

હી-મેન ધમેન્દ્રના હી-પુત્તર એટલે કે સની દેઓલ લુધિયાણાથી અકાલી દળની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. પણ, હી-પુત્તરનો ઇરાદો રાજનીતિને સાચેજ ગંભીરતાથી લેવાનો છે. ધર્મેન્દ્ર રાજનીતિમાં પૂરો સમય આપી શક્યા નહોતા.

- હુકૂમત-એ-આઝમ

કોઇ લેખિત આદેશ નથી. વાયરલેસ મેસેજ પાછળથી મુશ્કેલી ઊભી કરે છે. એટલા માટે જ્યાં સુધી થઇ શકે, કોઇ વાયરલેસ મેસેજ પણ નથી. આખુ કાર્ય મૌખિક ઢંગથી કરવામાં આવ્યું છે. અને હુકમ બાદશાહનો છે કે સમગ્ર સુબાનો એકેય થાનેદાર(એસ.એચ.ઓ) કોઇ મુસ્લિમની સામે એફઆઇઆર નોંધશે નહીં. જો અત્યંત જરૂરી હોય તો પોતાના ઉપરીની પરવાનગી માગશે અને ઉપરી કોની પરવાનગી માંગશે? એ પછી ક્યારેક બતાવીશું. આમ તો, યુપીનું વહીવટીતંત્ર આ બધી બાબતોથી ટેવાઇ ગયું છે.

- વાત અદાલતની

હવે વાત અદાલતની. કોલેજિયમ સિસ્ટમ પર તપાસ આવવાના અણસાર સર્જાયા છે. જુઓ, તાજેતરમાં ભરતી ઉપરાંત રાજસ્થાન હાઇકોર્ટથી એકેય જજ ચીફ જસ્ટિસ નથી. મધ્યપ્રદેશના કોઇ જજ સુપ્રીમ કોર્ટમાં નથી. જ્યારે દિલ્હીથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ છે અને એક જજ ચીફ જસ્ટિસ છે. એવી જ રીતે મંુબઇથી પણ સુપ્રીમ કોર્ટમાં બે જજ છે અને બે જજ ચીફ જસ્ટિસ છે.

- પીએમ દુ:ખી છે

રાયસીના રોડ પર મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને જે ભાષણ વાંચ્યું, તેને અલગ રાખી દો. અમને કોઈ ઊડતી ચકલીએ જણાવ્યું છે કે પીએમે તેમના નિકટના લોકો વચ્ચે કહ્યું છે કે તેઓ મીડિયાથી ઘણાં દુખી છે.

- પીએમ શ્રીલંકા જશે

પીએમની નવાઝ શરીફ સાથે સંભવિત મુલાકાત ભલે હાલ ઘોંચમાં પડી હોય, પરંતુ તેઓ શ્રીલંકા જાય તેવી શક્યતા તો છે જ. જોકે દક્ષિણમાં અને ખાસ કરીને તમિલનાડુમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

[Continue reading...]

આમ આદમી બન્યા વીઆઇપી

- 0 comments


સીબીઆઇ ડાયરેક્ટર રંજિત સિંહાની પુત્રીનાં લગ્નના શાહી રિસેપ્શનમાં તમામ પ્રકારના વીઆઇપી આવ્યા. પક્ષના અને વિપક્ષના પણ. આ વાત ૧૯ તારીખની છે. તમામ વીઆઇપી લોકોને નિપટાવ્યા પછી બીજા દિવસે સિંહાએ સીબીઆઇ ખાતાના લિફ્ટમેનથી તમામ સ્ટાફ, સ્ટેનોને પણ આમંત્રિત કર્યા. રંજિત સિંહા જાતે બધાનું સ્વાગત કરી રહ્યા હતા અને તમામને પુત્રી-જમાઇ સાથે મુલાકાત પણ કરાવી. પછી એ જ મંડપ, એ જ રસોઇયા, એ જ સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી, જે વીઆઇપીઓ માટે હતી. સામાન્ય માણસને વીઆઇપીથી કમ હોવાનો અહેસાસ જ થવા ન દીધો. પોતાના વડાથી આવું વીઆઇપી સન્માન મેળવી સીબીઆઇનો જુનિયર સ્ટાફ ખૂબ જ ખુશ છે. આને અમલદારશાહીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં અવી રહ્યું છે.

પર્ચા-પર્ચા ખર્ચા!

ભારત સરકારના કાયદા વિભાગના એક મોટા અધિકારી છે. આજકાલ તેમનું નામ ચિઠ્ઠીમાં ખૂબ ચગી રહ્યું છે. આ ચિઠ્ઠીમાં તેમના બેંક ખાતાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠી સુપ્રીમ કોર્ટ સંકુલમાં પણ ફરી રહી છે.

ટિકિટ નહીં તો ભારત રત્ન જ સહી!

અમે અગાઉ તમને જણાવ્યું હતું કે પંજાબની એક સુરક્ષિત બેઠકના ચક્કરમાં લોકસભા સ્પીકર મીરા કુમાર પંજાબી શીખી રહ્યાં છે. પરંતુ હવે જ્યારે હોશિયારપુર સુરક્ષિત બેઠકના સંતોષ ચૌધરીને રાજ્યમંત્રી બનાવાયા છે, તો જાહેર છે કે તેમનું પત્તું કપાય તેવી અપેક્ષા નથી. પછી શું કરીએ? હવે પ્રયત્ન એ છે કે દલિત, મહિ‌લા અને સ્પીકર- આ ત્રણે શરતોને પૂરા કરનારા મહિ‌લાને ભારત રત્ન આપવામાં આવે. તર્ક એ છે કે તેનાથી કોંગ્રેસને દલિત બેઠકો મળશે અને એ પણ કે તેનાથી એ ભારત રત્નને ચૂંટણી નહીં લડવાનું એક નક્કર કારણ પણ મળી જશે.

મહાનતાની ફેકટરી

પ્રશ્ન- મહાન કોણ છે? સમય કે વ્યક્તિ? સમય વ્યક્તિને મહાન બનાવી દે છે, કે મહાન વ્યક્તિ સમયને મહાન બનાવી દે છે? જવાબ છે, મહાન તો મીડિયા હોય છે, તે સમય અને વ્યક્તિ બંનેને મહાન બનાવી દે છે. પ્રશ્ન- મીડિયાને કોણ મહાન બનાવે છે? ઉત્તર- ફૂલો અને લાઇટનિંગનો ખર્ચ મીડિયાને મહાન બનાવે છે. હવે જુઓ ૨૪ જુલાઇનો મહાન દિવસ. લોકસભા ટીવીની સાતમી વર્ષગાંઠ. લોકસભા સ્પીકર મીરા કુમારના ઇન્ટરવ્યૂનો પુનિત અવસર. લોકસભા ટીવી ઢગલાબંધ ફૂલો અને લાઇટનિંગના સહારે મહાન બની ગયું.

ટ્વિટર અમ્પાયર!

શું ટ્વિટરને રાજકારણની મેચના અમ્પાયર બનાવી શકાય? લાગતું તો નથી, પણ હોઇ શકે છે. હવે જુઓ નરેન્દ્ર મોદીના જવાબમાં કોંગ્રેસ આંકડા પર આંકડા રજૂ કરવામાં લાગી ગઇ છે. ગત દિવસોમાં કોઇ પ્રસંગે જ્યારે વડાપ્રધાન ભાષણ આપી રહ્યા હતા, ત્યાં તેમનું માઇક ખરાબ થઇ ગયું હતું. તેના પર મોદીએ કટાક્ષ કર્યો હતો કે તેનાથી શું ફેર પડે છે, વડાપ્રધાન બોલે છે જ શું? કદાચ તેના જ જવાબમાં પીએમઓના અધિકૃત ટ્વિટર પર જણાવાયું હતું કે વડાપ્રધાનજી ૨૦૦૪માં પીએમ બન્યા પછીથી અત્યાર સુધી ૧૩૦૦ ભાષણ આપી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ ૨૦૦ ભાષણ ૨૦૦૬માં આપ્યાં હતાં. જો કે ત્યાર બાદથી સ્કોર અને સ્ટ્રાઈક રેટ બંને ઘટતા ગયા છે. એવી ચર્ચા છે કે જો વડાપ્રધાનને આ ટ્વિટ પસંદ પડશે તો આગામી સ્કોર ૧૩૦૧ થઇ જશે.

દિલ્હીમાં છોટે સાહેબ

ઠાકરે પરિવાર દિલ્હીમાં પહેલાં ક્યારે ય જોવા મળ્યો નથી. બાલ ઠાકરે માટે તો દિલ્હી સુધી સંદેશો મોકલવા માટે 'સામના’ના સંપાદકીય કે માતોશ્રી જ પૂરતા હતા. મુંબઇમાં પણ બાળ ઠાકરે સામાન્ય રીતે કોઇને મળવા માટે માતોશ્રીથી બહાર જતા નહીં. જેને મળવું હોય તેને માતોશ્રી જવું પડતું હતું. પરંતુ આ વખતે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ આ પરંપરા તોડી અને દિલ્હી આવ્યા હતા. સાંસદ સંજય રાઉતે તેમના માટે પોતાના નિવાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પરંતુ દિલ્હી દિલાહીના વરસાદે ફિરોજશાહ રોડનો રસ્તો બંધ કરી દીધો હતો. પછી કોન્ફરન્સ કોિન્સ્ટટયૂશન કલબમાં રાખવામાં આવી હતી. જે થયું, જેવું થયું છેવટે પતી ગયું. જો કે ઉદ્ધવ ઠાકરેને તેમાં ભૂલ સુધારણા મુંબઇ જઇને જ કરવી પડી.

ચિરાગ હોય તો આવો

ચૂંટણીની ચર્ચા વેગીલી બની રહી છે અને આજ કાલ ઘણા ચિરાગ પોતપોતાના કૌટુંબિક રાજકારણનું નામ રોશન કરવા માટે પ્રજ્વલિત થવા લાગ્યા છે. કોઇ શક નથી કે રાજકારણમાં આવવું તેમનો અધિકાર છે. જન્મજાત અને લોકતાંત્રિક પણ. રાયબરેલીના કિલ્લાની સુરક્ષાની જવાબદારી ખુદ પ્રિયંકા વાઢેરાએ લઇ લીધી છે. રામવિલાસ પાસવાનના સુપુત્ર ચિરાગ પાસવાને પણ ફિલ્મોને અલવિદા કરી દીધી છે અને તે હવે પોતાના પાપાની પાર્ટીના સંસદીય બોર્ડના અધ્યક્ષ બની ગયા છે. હાલમાં જ પાપાની સાથે દિલ્હી પણ આવ્યા હતા અને પાપાની સાથે અડવાણી અને સુષમાને પણ મળ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પણ પિતા-પુત્ર સાથે જ દેખાયા હતા.

ક્યા કરે ચિરાગ ?

હવે વાત વધુ એક ચિરાગની જે મોટા થઈને અસલી ચિરાગ બની શકે છે. મતલબ કે પોટેન્શિયલ પોલિટિક્સ વાયા ફિલ્મ ઈન્ડસ્ટ્રી. સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીના નાના પુત્ર અજિત એન્ટનીની પ્રથમ ફિલ્મ આવી રહી છે. મલયાલયમ, તમિલ, તેલુગુમાં એક સાથે. અજિત એન્ટનીએ એક વાર કહ્યું હતું કે તેમના પાપાએ તેમને તેમની પસંદગીની કારકિર્દી ઘડવાની સલાહ આપી હતી. પરંતુ સંભળાય છે કે હવે પાપાને લાગે છે કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખતરનાક છે અને હવે તેમનો દીકરો ફિલ્મોમાં કામ કરે તેમ તેઓ નથી ઈચ્છતા. તો પછી દીકરો નામ રોશન કઈ રીતે કરશે ? જોઈએ હવે.

કેરલા એક્સપ્રેસ!

કેરળ માટે હવે કહેવાય છે કે રાજનીતિનો મુખ્ય ધંધો કૌભાંડ છે અને મજાની વાત એ છે કે જે કૌભાંડ નેતાઓના સેક્સકાંડ સાથે જોડાયેલાં છે તેની વિધાનસભામાં પણ ખાસ્સી ચર્ચા થાય છે. રાજ્યસભાના નાયબ અધ્યક્ષ પી.જે. કુરિયન સાથે જોડાયેલા સૂર્યાનેલ્લી સેક્સકાંડના આરોપ કોર્ટની હા-ના પર પેન્ડુલમની જેમ ઝૂલતા રહ્યા છે. વધુ એક કેસમાં કે.બી. ગણેશનું નામ આવ્યું છે. બીજી તરફ કેરળ આઈસક્રીમ કૌભાંડ ફરી ચર્ચામાં છે. ગૃહમંત્રી નિવાસનું સેક્સકાંડ પણ બહાર આવ્યું છે. જો ગૃહમાં બધાં સેક્સકાંડની ચર્ચા થાય તો વિચારો કે શું થશે ?

સરકારને ઉતાવળ છે

સરકારે ખાદ્ય સુરક્ષા અંગે વટહુકમ જાહેર કરી દીધો છે. પસાર પણ કરાવી જ નાખશે. વધુ એક વટહુકમ સેબીને વધુ અધિકાર આપવાનો છે. માલૂમ થયું છે કે આ વટહુકમથી રાષ્ટ્રપતિ વધારે ખુશ ન હતા અને તેમણે કેબિનેટ સચિવાલય તથા પીએમઓના અધિકારીઓને બોલાવીને પૂછી લીધું હતું કે હવે જ્યારે સંસદનું સત્ર નજીક જ છે ત્યારે વટહુકમની જરૂર શું છે ? જોકે સહી તેમણે કરી નાખી.

સરકાર રજા પર!

ઉત્તરાખંડની કુદરતી આફતના પાંચ દિવસ પછી રુદ્રપ્રયાગના તત્કાલીન ડીએમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સંભળાય છે કે જે દિવસે આફત આવી તે દિવસે એસપી સાહેબ જિલ્લામાં ન હતા અને ડીએમ સાહેબ પણ ન હતા. એક સાહેબ રજા પર બહાર હતા અને બીજા સાહેબ પણ તેમને બહારથી ટેકો આપી રહ્યા હતા.
[Continue reading...]

ગાંધી-સરદાર પછી ગુજરાતના ત્રીજા સપૂત મોદી!

- 0 comments


- પૂર્ણો રાજનીતિ

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર પી.એ. સંગમા ભાજપ, અન્નાદ્રમુક અને બીજુ જનતાદળ વતી રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી ચૂક્યા છે. મેઘાલયની ગત વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષને અપેક્ષા મુજબની સફળતા ભલે ન મળી, પરંતુ સંગમા ઊર્જાવાન છે. તેમની ભવિષ્યની રાજનીતિ અંગે વિચારણા કરવા માટે તેઓ ગયા સપ્તાહે ત્રણ દિવસ સુધી નાગપુરમાં હતા. આશા છે કે હવે તેનાથી પૂર્વોત્તરની રાજનીતિમાં તોફાન આવશે.

- પોતાની નોકરી, પોતાનો રાગ

પોતપોતાની ડફલી તો રાજનીતિમાં બધા વગાડે છે, અને બાકી વિસ્તારોની જેમ આ ડફલી પણ પોતપોતાની નોકરી બચાવવા માટે વગાડવામાં આવે છે. હવે ખાદ્ય સુરક્ષા કાયદો અને જમીન સંપાદન બિલને જ જુઓ. તેનાથી અસંમત લોકો પણ છે, જે ચૂપ છે અને એવા લોકો પણ છે જે તેનાથી સંમત છે, હતા, કે હોઈ શકે છે, પરંતુ નોકરીને ખાતર વિરોધમાં છે. જેમ કે જયરામ રમેશ જમીન સંપાદન બિલથી ઉદ્યોગજગતને સંમત-સંતુષ્ટ કરાવવા માટે ફિક્કી પાસે ગયા. તેમની નજરમાં રમેશે ફિક્કીને મનાવી લીધું હતું. ફિક્કીના અનેક વર્ષો સુધી મહામંત્રી રહી ચૂકેલા અમિત મિત્રા હાલમાં પશ્ચિમ બંગાળના નાણામંત્રી છે. મમતા બેનરજી આ કાયદાના વિરોધમાં હતાં અને એટલે અત્યાર સુધી અમિત મિત્રા પણ આ બિલનો વિરોધ કરતા હતા. જયરામ રમેશે તેના પર ભારે કટાક્ષ પણ કર્યા. જોકે મિત્રાની મજબૂરી પણ તેઓ સમજે છે.

- રાષ્ટ્રપતિની ઉત્સુકતા

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની નજર પણ આ બે બિલ પર લાગેલી હતી. સમાચાર એ છે કે રાષ્ટ્રપતિએ આ બિલ પર ચાલેલી ચર્ચા ટીવી પર ધ્યાનપૂર્વક તેમણે સાંભળી. જમીન સંપાદન બિલ તો રાજ્યસભામાંથી પસાર થયા બાદ લોકસભામાં રજુ કરવાની મંજુર માટે રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યું, ત્યારે તેને ૧૨ કલાકમાં જ મંજુરી મળી ગઈ. સામાન્ય રીતે રાષ્ટ્રપતભિવન આવી ફાઈલ આગળ વધારવામાં એક દિવસનો સમય લેતું હોય છે.
[Continue reading...]

ચૂંટણી ચિહ્ન વિરુદ્ધ મોદી

- 0 comments


હવે તમને નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા એક એવા સમાચાર જણાવીએ જે સાંભળીને તમે ચોંકી જશો. મોદીની લોકપ્રિયતા સાતમા આસમાન પર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મોદી પક્ષના કોઈ અન્ય નેતા કરતાં જ નહીં, પણ પક્ષ કરતાં પણ મોટા થઈ ગયા છે. યુવાનોમાં તો મોદીને જ આશાનું એકમાત્ર કિરણ નજરે પડી રહ્યું છે. પરંતુ ભાજપના એક સર્વેમાં રહસ્યપૂર્ણ વાત એ માલૂમ પડી છે કે મોદીના દીવાના અનેક યુવા મતદારોને એ જ ખબર નથી કે મોદી કયા પક્ષના છે અને તેમના પક્ષનું ચૂંટણી પ્રતીક કયું છે. બધો જ આધાર ચૂંટણી પ્રતીક પર હોય છે, આથી હવે પક્ષે તેના ચૂંટણી પ્રતીકને લોકપ્રિય કરવા માટે ખાસ અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે.

- ભગતને બધા ભૂલી ગયા

સંસદીય પરંપરાઓ જાળવવામાં અડવાણીને સમકક્ષ કોઈ ન આવે. આજ સુધી અનેક વાર એવું બની ચૂક્યું છે કે જૂના નેતાઓને યાદ કરવા માટે સંસદ પરિસરમાં કાર્યક્રમ થયા, પરંતુ કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં જોવા મળ્યા નહીં. ઘણી વાર તો સચિવાલય સુધીના અધિકારીઓ ગેરહાજર રહ્યા છે. પરંતુ અડવાણીજી ભાગ્યે જ કોઈ સંસદીય કાર્યક્રમમાં અને ખાસ કરીને જૂના નેતાઓને યાદ કરવામાં સામેલ નહીં હોય. ૭ ઓક્ટોબરે ભૂતપૂર્વ સ્પીકર બલિરામ ભગતની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. ભગત યોગ્ય વ્યક્તિ હતા, ઈમરજન્સીમાં સ્પીકર રહ્યા હતા અને રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી હતા. પરંતુ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં માત્ર અડવાણી જ આવ્યા હતા. બાકી કોઈ નેતા, સાંસદ, સ્પીકર કે અધિકારી જોવા ન મળ્યા.

- જ્યાં મસ્તી, ત્યાં અમે

લોકસભાવાળા દરેક કાર્યક્રમ આવી જ રીતે ચૂકી જાય છે તેવું નથી. મોજમસ્તીનો કાર્યક્રમ ગોઠવો, પછી જુઓ કે કેવા જોરશોરથી આ બધા સાંસદો દોડી જાય છે. મોટાભાગની સરકારી વિદેશ યાત્રાઓ આજકાલ બંધ છે. લોકસભા સચિવાલય સિવાય. તેમાં પણ પાંચ મેમ્બરવાળા પ્રતિનિધિમંડળ સાથે લોકસભા સચિવાલયના સાત અધિકારી જાય છે. રહી વાત સ્પીકર મેડમની, તો તેમના માટે તો બે લોકો અંગત સ્ટાફ માટે પણ જાય છે. નોકરી હોય તો આવી.

- અને બર્થ ડે ઊજવી શકાયો નહીં

તમે તો જાણો જ છો કે વડાપ્રધાન પ્રેસ સાથે વિસ્તૃત વાત મોટાભાગે વિદેશથી પરત આવતી વખતે તેમના વિશેષ વિમાનમાં કરે છે. બીજી તરફ સંયક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાની વાર્ષિ‌ક બેઠક પણ વડાપ્રધાનના જન્મદિવસની આસપાસ જ હોય છે. આ રીતે વડાપ્રધાનની પ્રેસ સાથેની વાતચીત અને હેપ્પી બર્થ ડે બન્ને અનેક વાર વિમાનમાં જ ચાલતા હોય છે. અને કુલ મળીને વડાપ્રધાનના જન્મદિવસની આસપાસનો સમય સારો હોય છે. પરંતુ આ વખતે સંયોગ કંઈક સારા ન હતા. અહીં રાહુલ ગાંધીનું વટહુકમ ફાડી નાખવાનું નિવેદન થયું, નવાઝ શરીફે દેહાતી જ્ઞાન આપ્યું અને બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં બે ત્રાસવાદી હુમલા થયા. આ હુમલાના સમાચાર મળતા જ વડાપ્રધાને પત્રકારો સાથે જન્મદિવસ ઊજવવાનો નિર્ણય માંડી વાળ્યો. પત્રકારોએ જ તેમને એક સંયુક્ત શુભકામના કાર્ડ ભેટ આપ્યું.

[Continue reading...]